માનવનિકેતન ટ્રસ્ટ,ચાળવાની સ્થાપના આ વિસ્તારના વ્યવસાયે એવા સેવાભાવી તબીબ ડૉ.ઉદયસિંહ કે.રાજપૂતની વિચારસરણીથી તા.૦૯/૦૮/ર૦૦૦ ના રોજ કરવામાં આવેલી. જેમાં (૧) ડૉ.ઉદયસિંહ કે.રાજપૂત (ચાળવા) -પ્રમુખ (ર) શ્રી વાઘેલા (રાજપૂત) કરશનભાઈ અગરાભાઈ (ચાળવા) -ઉપ પ્રમુખ (૩) શ્રી ડાભી (રાજપૂત) સુબાભાઈ અગરાભાઈ (રાંટીલા) -મંત્રી (૪) શ્રી પઢાર (રાજપૂત) જોઈતાભાઈ કરમણભાઈ (જેતડા) -ખજાનચી (પ) શ્રી સોલંકી (રાજપૂત) દેવેન્દ્રસિંહ જગતાભાઈ (ચાળવા) -કારોબારી સભ્ય (૬) શ્રી સોલંકી (રાજપૂત) ભલાભાઈ કાનજીભાઈ (ચાળવા) -કારોબારી સભ્ય (૭) શ્રી ડાભી (રાજપૂત) દેવાભાઈ અગરાભાઈ (રાંટીલા) -કારોબારી સભ્યોથી કરવામાં આવેલ.
ટ્રસ્ટનો માત્ર અને માત્ર હેતુ લવાણા તેમજ આજુબાજુના વિસ્તારની દિકરીઓ વધુમાં વધુ પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીનું શિક્ષણ લેતી કઈ રીતે થાય તે માટેનો જ છે. ટ્રસ્ટની સ્થાપના પુર્વે આ વિસ્તારની આજુબાજુના કોઈપણ ગામોમાં ખેડુત કે મજદુર કુટુંબમાંથી એકપણ દિકરીએ એસ.એસ.સી. સુધીનું શિક્ષણ મેળવેલ ન હતું. ત્યારે ઉચ્ચશિક્ષણની વાત કયાં કરવાની ? ટ્રસ્ટના નેજા હેઠળ જુન-ર૦૦૧ થી પ્રાથમિક શિક્ષણથી શરૂ કરીને ક્રમશ: માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, ઉચ્ચશિક્ષાણ માટે અંગ્રેજી, ઈતિહાસ, મનોવિજ્ઞાન, ગુજરાતી, સંસ્કૃત જેવા વિષયો સાથે આર્ટ્સ કોલેજની સ્થાપના,ટેકનીકલ અને કૌશલ્ય વર્ધક તાલીમ આ વિસ્તારના દિકરા-દિકરીઓને ઘર આંગણે મળી રહે તે માટે આઈ.ટી.આઈ.કોલેજ જેવા શૈક્ષણિક સંકુલોની સ્થાપના કરવામાં આવી.
જયારે આ ટ્રસ્ટની સ્થાપના ન હોતી થઈ ત્યારે આ વિસ્તારમાંના દિકરાઓમાં માધ્યમિક શિક્ષણ પણ નહિવત હતુ. જયારે દિકરીઓમાં તો બિલકુલ હતું જ નહી તેવું કહીએ તો તેમાં કઈ અજુગતુ નથી. આજે આ ટ્રસ્ટના નેજા હેઠળ ચાલતા શૈક્ષણિક સંકુલોમાં પ્રવેશ મેળવીને આજ વિસ્તારના દિકરાઓની તો વાત જ ન કરી શકીએ કેમ કે આજ વિસ્તારની અનેક દિકરીઓ કોલેજમાં પ્રવેશ મેળવીને સ્નાતકની પદવી મેળવીને અનુસ્નાતક તેમજ જે તે વિભાગની વ્યવસાયિક લાયકાતો મેળવીને સરકારી,અર્ધસરકારી નોકરી કરતી થઈ છે.
આ વિસ્તારમાં માનવનિકેતન ટ્રસ્ટ થકી શિક્ષણની જયોત પ્રજવલિત થઈ છે. જેમ ભગીરથી ઋષિએ તપસ્યા કરીને ગંગાજીનું હિમાલય ઉપરથી ધરતી ઉપર અવતરણ કર્યુ હતુ તેવી જ રીતે શિક્ષણ શુ છે અને તેમાંય શિક્ષણ થકી જીવનનું ઘડતર કેવી રીતે કરી શકાય તેવા સાચા અર્થમાં આ વિસ્તારમાં શિક્ષણરૂપી ગંગાનું અવતરણ થયું છે તેવું કહીએ તો કંઈ અતિ શયોકિત ભર્યું નથી.
ટ્રસ્ટની સ્થાપના પછીનું કાર્ય માત્ર અને માત્ર આજ વિસ્તારમાં શિક્ષણ સિવાઈ અન્ય કોઈ પ્રવૃતિઓ ન કરવાનો સંકલ્પ આ ટ્રસ્ટના આદ્યસ્થાપક અને પ્રમુખ ડૉ.ઉદયસિંહ કે.રાજપૂતને ફાળે જાય છે.
ટ્રસ્ટના પ્રમુખ ડૉ.ઉદયસિંહ કે.રાજપૂતના નેજા હેઠળ તમામ શૈક્ષણિક સંકુલોમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થી ભાઈ/બહેનોને કોઈપણ નાત-જાતના કે ધર્મના ભેદભાવ વગર કોઈપણ ટકાવારીને ધ્યાને લીધા વિના વહેલા તે પહેલાના ધોરણે સીધો જ પ્રવેશ આપવામાં આવે છે. શૈક્ષણિક સંકુલમાં જ પ્રમુખશ્રીનુ નિવાસસ્થાન હોવાથી પોતાનો પુર્ણસમય શૈક્ષણિક સંકુલોમાં ચાલતા શિક્ષણકાર્ય તેમજ શિક્ષણને લગતી પ્રવૃતિઓનું સતત નિરિક્ષણ અને જરૂરી માર્ગદર્શન પુરું પાડી શકે છે. જે આ શિક્ષણ સંસ્થાનું મોટામાં મોટું જમા પાસું છે.
ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંકુલોમાં કાર્ય કરતા તમામ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓની નિયત સમયાંતરે સંચાલક સાથે બેઠક યોજી જરૂરી આયોજન માટે વિચાર-વિમર્શ કરવામાં આવે છે.
છેલ્લા વીસ વર્ષથી આ વિસ્તારમાં શિક્ષણ પ્રત્યે લોકો ખુબ જ જાગૃત થયા છે અને મેડીકલ,પેરામેડીકલ, એન્જીનીયર, એમ.બી.એ, ઈન્ફરમેશન ટેકનોલોજી (આઈટી) જેવા અનેક ક્ષેત્રોમાં પ્રવેશ મેળવીને વિદ્યાર્થી ભાઈ/બહેનોએ પોતાની કારકીર્દી બનાવી છે અને બનાવી રહયા છે. તેમજ તેઓ વધુને વધુ શિક્ષણક્ષેત્રે સોપાનો સર કરવા થનગની રહયા છે. આજથી વીસ વર્ષ પહેલાં આ વિસ્તારમાં શિક્ષણ નહિવત હોવાથી જે શિક્ષણનું પછાતપણું હતુ તે દુર થયુ છે અને તેનો જે કોઈને શ્રેય આપવાનો થાય તો તે માત્ર અને માત્ર માનવનિકેતન ટ્રસ્ટને ફાળે જાય છે તેવું કહેવામાં જરાય પણ અતિશયોકિત નથી.
લવાણા દિયોદર-જેતડા હાઈવે રોડ પર આવેલ એક નાનું સરખું મધ્યમ ખેડુત વર્ગ તેમજ ખેત મજુરોના વસવાટવાળુ ગામ છે. આજે આ ગામ શિક્ષણનગરી તરીકે સારાય બનાસકાંઠા જિલ્લામાં નામના ધરાવે છે.
માનવનિકેતન ટ્રસ્ટ એ હિન્દવાણી રાજપૂત સમાજ દ્રારા પ્રેરિત ટ્રસ્ટ છે. ટ્રસ્ટમાં હિન્દવાણી રાજપૂત સમાજના અગ્રગણ્ય વડીલો તેમજ યુવામિત્રોનું સંકલન કરીને ૧૮ (અઢાર) કારોબારી સભ્યો દ્રારા આ ટ્રસ્ટનું સંચાલન કરવામાં આવે છે. હિન્દવાણી રાજપૂત સમાજમાં લવાણા, ચાળવા, રાંટીલા, ચિભડા, કુવાણા, જેતડા, ગણતા, ગેળા, સેદલા, લાખણી, વાસણા, લિમ્બાઉ, સણાવિયા, ડેલ, ગોલવી, નોખા, મકડાલા, કુંવાતા, અછવાડિયા, ભગવાનપુરા, ડુચકવાડા, વજેગઢ એમ મળીને કુલ રર ગામો હિન્દવાણી રાજપૂત સમાજમાં સમાવિષ્ટ છે. કોઈ એક જાતિ કે જ્ઞાતિનો પ્રભાવ ન પડે તે માટે ટ્રસ્ટનું નામ માનવનિકેતન ટ્રસ્ટ રાખવામાં આવેલ છે. સૌનો સમાન વિકાસ સૌનો સમાન સહકાર જેવી ઉમદા ભાવનાથી આ ટ્રસ્ટ કાર્ય કરી રહયું છે.